તેજસ્વી કારકિર્દી ધરાવતાં કલ્પનાબહેને ઘડતર કથાઓમાં વિવિધ દેશો-પ્રદેશોની ૭૫ પ્રસંગકથાઓ આપી, માનવતાનાં મૂલ્યનો વારસો બાળકો સુધી પહોંચાડવાનું સુંદર કાર્ય કર્યું છે. બાલ્યાવસ્થા એ જીવનઘડતર માટેનો પાયો છે. એ પાયો જેટલો મજબૂત તેટલું તે બાળકનું માનવ તરીકેનું જીવન સ્વસ્થ અને સંતર્પક સ્વસ્થ માનવ પોતાનું જીવન તો સરસ રીતે જીવે છે, જીવનને સાર્થક કરે છે પણ વધુમાં તે સમાજમાં ધૂપસળીની સુગંધ પ્રસરાવતું કાર્ય પણ કરે છે. સ્વાભાવિક સહજતા એ લેખિકાની કલમની વિશેષતા છે. સરળ રજૂઆત હોવાથી ભાવકને સમજવામાં પણ સરળતા રહે છે. વળી દરેક વાર્તાની ઉપર મૂકવામાં આવેલું નાનકડું વિધાન પ્રસંગકથાનો સાર સમજવામાં સીધું ઉપયોગી થાય છે અને ભાવકને કંઈક શીખવી જાય છે. આ પુસ્તકમાં ભારતના અન્ય પ્રદેશોની અને વિદેશની વાર્તાઓ રજૂ થઈ છે. તે જોતાં લાગે કે પંચતંત્ર-હિતોપદેશનો પ્રભાવ સમગ્ર વિશ્વવ્યાપી રહ્યો છે. પ્રાણી-પક્ષી નિમિત્તે માનવને મૂલ્યબોધ આપવાનું વલણ સર્વત્ર રહ્યું છે, તેની પ્રતીતિ આ બધી વાર્તાઓ કરાવે છે. અહીં ઐતિહાસિક પ્રસંગો છે, તો કોઈ વાર્તા શામળની પદ્યવાર્તાની યાદ અપાવે તેવી છે. જીવન જોવાના વિવિધ અભિગમો પણ એમાં પ્રાપ્ત થાય છે. પુસ્તકના ઉપશીર્ષકમાં 'કથાવારસો' શબ્દ મૂકવામાં આવ્યો છે તેને યથાર્થ ઠેરવે તેવી આ બધી પ્રસંગકથાઓ છે. સાદી સરળ ભાષામાં રજૂ થયેલી આ પ્રસંગકથાઓ સર્વભૌગ્યકથાઓ છે. કેટલીક કથાઓનો મર્મ તો મોટેરાઓ જ સમજી શકે તેવો છે. એટલે કે ગાંઠે બાંધી રાખવા જેવી કેટલીક મર્મયુક્ત વાતો પણ આ પુસ્તકમાં રજૂ થઈ છે. આ બધી કથાઓ વાચકને આનંદ અને બોધ એકસાથે આપે છે. આટલી વૈવિધ્યસભર પ્રસંગકથાઓ આપવા માટે લેખિકાને ખૂબ અભિનંદન! ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ કરો આપેલ લિંક પર ક્લિક કરો અથવા આપેલ લિંક ને ટેલીગ્રામ માં Copy કરી ક્લિક કરો ખુલી જશે https://t.me/gccbooksstore/7423